ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં પ્રથમ કોલેજ શરૂ કરવાનું શ્રેય પણ તખ્તસિંહજીને જાય છે. ઈ.સ. ૧૮૮૪માં તેમણે પોતાના વિશ્વાસ પ્રધાન શામળદાસની સ્મૃતિમાં “શામળદાસ કોલેજ”ની સ્થાપના ભાવનગરમાં કરી હતી. શામળદાસ તે સમયના એક વિદ્વાન અને રાજપુરુષ હતા.
આમ ભાવનગરના રાજવીએ યોગ્ય વ્યક્તિની યોગ્ય સ્મૃતિ માટે આ સંસ્થા સ્થાપી હતી.૨૫ પોતાના રાજ્યની બહાર પણ અમદાવાદની ગુજરાત કોલેજ અને પુનાની ફર્ગ્યુસન કોલેજને મોટી રકમ ગ્રાન્ટ તરીકે આપી હતી.
આમ પ્રાથમિક શિક્ષણથી શરૂ કરીને છેક કોલેજ સુધીના વિકાસ માટે તખ્તસિંહજીના રાજ્ય અમલ દરમ્યાન પ્રશંસનીય કામગીરી થઈ હતી.
ઑગસ્ટ, ૧૮૮૪માં અવસાન પામેલો કાર્યદક્ષ દીવાન શામળદાસ મહેતા (૧૮૫૮–૧૮૮૪)નું સ્મરણે રાખવા અને પ્રજાને ઉચ્ચ શિક્ષણ મળે તે ભાવનાથી તખ્તસિંહજીએ શામળદાસ કૉલેજ શરૂ કરવા બ્રિટિશ સરકાર અને બૉમ્બે યુનિવર્સિટીની અનેક અવરોધો વચ્ચે મંજૂરી મેળવી,
મકાનના પ્લાન તૈયાર કરાવી તેનું ખાતમુહૂત કરાવ્યું અને જાન્યુઆરી ૧૮૮૫થી બાર્ટન લાઇબ્રેરીવાળા મકાન (હાલનું માજીરાજ ગર્લ્સ સ્કૂલનું મકાન)માં કૉલેજ શરૂ કરાવી દીધી. ૧૮૮૬માં કૉલેજના મકાનનું ઉદ્ઘાટન કરાવ્યું, પણ તે ખરેખર પાનવાડી પાસે તૈયાર થઈ રહેલા ભવ્ય મકાનના એક હૉલનું હતું.
મુંબઈ યુનિવર્સિટીના અહેવાલ પ્રમાણે કૉલેજ દ્વારા નવું મકાન હસ્તગત કરાયું ૧૮૯૩માં એટલે ત્યાં સુધી કૉલેજ હાલના માજીરાજ સ્કૂલવાળા મકાનમાં ચાલતી હતી, જ્યાં ગાંધીજી ૧૮૮૮માં એક સત્ર સુધી ભણ્યા હતા..