ભારતમાં આવી ઘણી પરંપરાઓ છે, જે ચોંકાવનારી છે. આવી જ એક પરંપરા રાજસ્થાનના બુંદી જિલ્લાના હિંડોલી શહેરમાં આવેલા શિવ મંદિર સાથે જોડાયેલી છે.
અહીં બિરાજેલી પાર્વતીની પ્રતિમા અડધી રાત્રિએ એક યુવકે ગાયબ કરી હતી. જો કોરોના સંક્રમણની ભાષામાં બોલીએ, તો યુવકે પાર્વતીજીને ક્યાંક ક્વૉરન્ટીન કરી દીધા.
તેની પાછળ એક ખૂબ જ રસપ્રદ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે જે પણ યુવકના લગ્નમાં મુશ્કેલી આવી રહી હોય, તે જો પાર્વતીની ચોરી કરે છે, તો તેના જલ્દીથી લગ્ન થઈ જાય છે. આ મંદિર રામસાગર તળાવની પાસે રઘુનાથ ઘાટ પર સ્થિત છે.
મંદિરમાં શિવલિંગની પાસે જ પાર્વતીજી બિરાજેલાં છે. પરંતુ માન્યતાને કારણે, ઘણીવાર યુવકો પાર્વતીની મૂર્તિની ચોરી કરીને લઈ જાય છે. જ્યારે તેમના લગ્ન થાય છે, ત્યારે તેઓ પાછી મૂકવા આવે છે. એવું કહેવામાં આવે છે કે આ વખતે વસંતથી પાર્વતીની મૂર્તિની ચોરી કરવામાં આવી છે. લોકડાઉનને કારણે લગ્ન શક્ય નથી, જેથી મૂર્તિ હજી સુધી મંદિરમાં આવી શકી નથી.
મંદિરમાં સેવા આપી રહેલા રામબાબુ પરાશર કહે છે કે છેલ્લા 35 વર્ષમાં તેમણે લગભગ 20 વાર મૂર્તિની ચોરી જોઈ છે. ઘણી વાર તો મૂર્તિ ચોરી કરનારાને પણ જુએ છે, પરંતુ પરંપરાને કારણે તેમને તેને અટકાવતા નથી.
બુંદી નગરને ભારતની બીજી કાશી કહેવામાં આવે છે. અહીં હિંડોલી તળાવ ઉપરાંત બુંદીનો કિલ્લો, ચોર્યાસી સ્તંભોની છત્રી, રાણીજીની બાવડી વગેરે ઘણા મનોહર સ્થળો છે. જોકે, ઘણા ઐતિહાસિક સ્થળો ખંડેર થઈ ચૂક્યા છે.
હિંડોલીમાં પણ અનેક ઐતિહાસિક સ્થળો છે. તેમાંથી એક સાસુ-વહુનો કુંડ છે. તેની શરૂઆતમાં બંને બાજુ મંદિરો છે. એક લક્ષ્મીનાથજી, બીજું શિવ મંદિર. બુંદી જિલ્લામાં ઘણા પ્રાચીન સ્થળો છે. જેનાં જોવા માટે લોકો દૂર-દૂરથી અહીં આવે છે