Thursday, September 28, 2023
Home Bhavnagar ભાવનગર પાસે આવેલ શિહોરનો ઉજળો ઇતીહાસ..

ભાવનગર પાસે આવેલ શિહોરનો ઉજળો ઇતીહાસ..

સિહોર, જે છોટા કાશીના નામે ઓળખાય છે..

સિહોર, જેનો ઉલ્લેખ પુરાણોમાં મળે છે (સ્કંધપુરાણ સુધી શિહોરનો ઉલ્લેખ સ્પષ્ટપણે જોવા મળે છે. સિહોર, જે ત્રેતાયુગ સાથે સંકળાયેલું હોવાના પ્રમાણો આજેય ઉપલબ્ધ છે, સિહોર, જે સતયુગ સાથે સંકળાયેલું હોવાના પ્રમાણો આજેય ઉપલબ્ધ છે. સિહોર, જે કળિયુગમાં સંપૂર્ણપણે અવગણાયેલું છે , જેના પ્રમાણો આજે આપણી નજર સમક્ષ છે.

આજે હું અને તમે અમદાવાદને +૬૦૦ વર્ષ થયા કે ભાવનગરને + ૨૦૦ વર્ષનું થયું; એને યાદ કરીને ખુશ થઈને તેની ઉજવણીઓ કરીયે છે. યુગો પૂર્વેનું મહાનગર સિહોર અને ત્રેતાયુગથી કળિયુગના તમામ બનાવોનું સાક્ષી પોતાના જન્મદિવસની એ ઉજવણીમાં અને એવી ઉજવણીઓમાં તદ્દન ઉપેક્ષિત રહી જાય છે. અને એ પણ જ્યારે પોતાને હિન્દુવાદી અને હિંદુહિતરક્ષક બતાવતી સરકારનું શાસન હોય !

છોડો આપણે તો સિહોરની અને સિહોરના ઈતિહાસની વાત કરવી છે, શિહોરના જન્મ વિષે ઈતિહાસ પણ અજાણ છે, ઈતિહાસ કહે છે કે વિશ્વની મોટાભાગની માનવ સંસ્કૃતિઓ અને મોટા નગરો સામાન્યરીતે મોટી નદીઓના કિનારે જ પાંગરેલા છે.

કદાચ સિહોર એ નિયમમાંથી બાકાત હશે..

કારણ કે આજપર્યંત સિહોરની આસપાસ ગંગા, જમના, સતલજ, રાવી , ગોદાવરી કે નર્મદા જેવી કોઈ મહાનદીના અવશેષો જોવા મળ્યા નથી, હજુ ગઈકાલે સમાપ્ત થયેલા મહાભારતના યુદ્ધ સુધી એ સારસ્વતપુર કે સારસ્વતનગર હતુ. એ સિવાય એના નામ સિંહલપુર, સિંહપુર, સિંહોર અને શિહોર પણ ખરા યુગો પહેલા કદાચ સિંહોનો વસવાટ આ વિસ્તારમાં હશે !

એટલે જ એનું નામ સિંહપુર અથવા સિંહલપુર, આજેય ક્યારેક ગીરના સિંહ પાલીતાણા ઉર્ફે પાણીતાળા ઉર્ફે પાદલિપ્તપુર સુધી આંટો મારી જ જાય છે ને !બીજી લોકવાયકા પ્રમાણે વલ્લભી વંશ પહેલા અહીં સિંહલવંશના અથવા સિંહવંશના રાજાઓ રાજ્ય કરતા જેના કારણે જે તે સમયે સિહોર સિંહપુર કે સિંહલપુરના નામે ઓળખાતું, ક્યારેક સિહોર દરિયાકિનારે વસેલું મોટું બંદર હોવાના છૂટાછવાયો પ્રમાણો પણ પ્રાપ્ત થયા છે.

સિહોર, આમ તો વિમલાપુરી ઉર્ફે વલ્લભીપુર, પાદલિપ્તપુર ઉર્ફે પાલીતાણા , હસ્તિવપ્ર ઉર્ફે હાથબ , કુંડીનપુર ઉર્ફે ગુંદી કોળિયાક અને તાલધ્વજ ઉર્ફે તળાજા ની વચ્ચે આવેલું, વળી દક્ષિણે મધુમાવતી ઉર્ફે મહુવા અને ઉત્તરે વિરાટનગરી ઉર્ફે ધોળકા છે, કદાચ યુગો પૂર્વે અને યુગોપર્યન્ત સારસ્વતપુર હિન્દુધર્મનું મુખ્ય મથક રહ્યું હશે.

કદાચ યુગોપર્યન્ત સારસ્વતપુર બ્રાહ્મણોના તાબામાં રહ્યું હશે અથવા બ્રાહ્મણોની ત્યાં બોલબાલા રહી હશે, બ્રહ્મશાસનના અવશેષો સુખનાથ, પંચમુખ, દયાનંદગુફા, બ્રહ્મકુંડ. ગૌતમેશ્વર, ગૌતમગુફા, વિશ્વનાથ, ભવનાથની જગ્યામાં આજેય જોવા મળે છે.સાથે સિહોરી માતાજી, બ્રહ્મકુંડ, ગૌતમેશ્વર , સાત શેરીની થાંભલીઓ, દયાનંદ ગુફા પણ ધ્યાન ખેંચે છે કહે છે 1857ના બળવા પછી પરાજય પામેલા તોપચીઓમાંના દયાનંદ, રામાનંદ અને બાલારામસિંહ અહીં છુપાયા હતા.

નાના સાહેબ પેશવા પણ છુપા વેશે સિહોર અને પાલીતાણામાં સંતાયા હોવાના ઐતિહાસિક પુરાવાઓ પ્રાપ્ત થાય છે. ચીની મુસાફર હ્યુએનસંગે પણ વલ્લભીપુરના વર્ણન સાથે સિહોરનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે. ઈતિહાસમાં નોંધાયા પ્રમાણે અહીં મોટાભાગે બ્રાહ્મણો જ વસતા.

જેમાં રણા ભટ્ટ અને જાની મુખ્ય હતા. નજીવા કારણથી બંને પક્ષ વચ્ચે વર્ગવિગ્રહ થયો અને એ બંનેય વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો. જેમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા અને જૂનું સિહોર નષ્ટ પામ્યું.પછી રણા ભટ્ટે ગારિયાધારના રજપૂતોની અને જાનીએ ઉમરાળાના ગોહિલોની સહાય માટે ધા નાખી અને મહાપ્રયત્ને એ જંગ બંધ થયો.

https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3a/Cross_Section_of_one_of_Sihor_Hill_Ranges%2C_from_Sukhnath.png/250px-Cross_Section_of_one_of_Sihor_Hill_Ranges%2C_from_Sukhnath.png

(જો કે અન્ય જગ્યાએ વિજય સિંહાલા બંગાળનો હોવાનું પણ નોંધાયું છે) પણ દસ્તાવેજી તથ્યો અને દસ્તાવેજી આધારો એ સાબિતી આપે છે કે આશરે ૬૦૦ BCE વર્ષ પહેલા સિહોરના રાજકુમાર વિજય સિંહાલા શ્રીલંકામાં સ્થાયી થયા.

કદાચ રાજકુમાર વિજયે એ પ્રયાણ ઘોઘા બંદર પરથી કર્યું અને શ્રીલંકાની કોઈક સુંદર યુવતીને વરેલા કહે છે એટલે જ પેલી ગુજરાતી ઉક્તિનો જન્મ થયો “લંકાની લાડીને ઘોઘાનો વર” કદાચ રાજકુમાર વિજય જે તે હિન્દૂ રાજાથી (એટલે પોતાના પિતાથી) અને પોતાના હિન્દૂ પરિવારથી ત્યજાયેલો અને અથવા અવગણાયેલો હશે.

એટલે એણે ના માત્ર પોતાનુ નગર ત્યજયુ પણ પોતાનો દેશ ત્યજ્યો અને આખરે પોતાનો ધર્મ ત્યજીને બૌદ્ધધર્મ અપનાવ્યો હશે , એમ માની શકાય. ૧૯૬૭ – ૬૮માં લક્ષ્મણદાસજી નામના એક સાધુ મહાત્માએ સિહોરમાં “લક્ષચંડી યજ્ઞ” કર્યો હતો, ત્યારે એ યજ્ઞમાં ભાગ લેવા અને એ યજ્ઞનો હિસ્સો બનવા સિહોરમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા.

ગૌતમ ઋષિની વાત વગર શિહોરની વાત અધૂરી જ કહેવાય, શિહોરના સીમાડે ગોમતી નદીના કિનારે બિરાજેલા ગૌતમેશ્વર મહાદેવનો એક અલગ જ ઈતિહાસ છે, ગૌતમી નદીનો અને ગોમતેશ્વર મહાદેવનો સપ્તઋષિમાંના એક ગૌતમ ઋષિ સાથે કોઈક સીધો સંબંધ હોવાની ચાડી ખાય છે, ગૌતમ ઋષિ , ન્યાય, તર્ક, રસાયણ, પદાર્થ, પૃથક્કરણ અને તત્ત્વ વગેરેના શોધક; ન્યાયશાસ્ત્રના આચાર્ય અને પ્રણેતા, ઇસુથી લગભગ ૬૦૦ વર્ષ પહેલાં થયેલા ગૌતમ સમર્થ બ્રહ્મર્ષિ તરીકે પૂજનીય છે.

તેમનો જન્મ બ્રહમાનસપુત્ર અંગિરા ઋષિના દીર્ધતમાને ત્યાં ત્રેતાયુગના આરંભમાં હિમાલય પ્રદેશમાં થયો હતો. તે મહાન તેજસ્વી, તત્ત્વજ્ઞ અને તીવ્ર બુદ્ધિના હતા. લાંબો કાળ તપશ્ચર્યા કરી તેમણે તપસમૃદ્ધિ મેળવી હતી. પોતાની પ્રબળ શક્તિથી સર્વમાં માન પામી સપ્તર્ષિના પંચમાં તેમની નિમણૂક થઈ.

ગૌત્તમેશ્વરનો ઈતિહાસ જાણવા ગૌતમ ઋષિના જીવનનો એ દુઃખદ હિસ્સો ફંફોસવો રહ્યો, જ્યોતિર્લિંગ ત્રમ્બકેશ્વર ,.હાલના મહારાષ્ટ્રમાં બ્રહ્મગિરિની તળેટીમાં સ્થિત છે બ્રહ્મગિરિ ,શિવનું સાક્ષાતરૂપ મનાય છે, બસ આ જગ્યા સપ્તઋષિમાંના એક એવા ઋષિ ગૌતમની કર્મભૂમિ અને તપોભૂમિ, આ જગ્યાએ આશ્રમમાં પોતાની પત્ની અહલ્યા સાથે ગૌતમ ઋષિ રહેતા હતા.

અહલ્યા એટલે કોઈપણ ક્ષતિવગરનું રૂપ મેળવેલી સ્ત્રી અહલ્યા એટલે હિન્દુશાસ્ત્રોમાં પવિત્રતમ ગણાવાયેલ પાંચ સતી; અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી  પૈકીની એક સતી માનવ સ્વભાવગત કોઈક કારણે આશ્રમમાં રહેતા બ્રાહ્મણોની પત્નીને “અહલ્યા” સાથે કંઈક મતભેદ સર્જાયો.

અને વાતનું વતેસર થઇ ગયુ બ્રાહ્મણોએ સમૂહમાં ગણપતિ આરાધના આદરી બ્રાહ્મણોના તપથી પ્રભાવિત થયેલા અને પ્રસન્ન થયેલા ગણપતિએ બ્રાહ્મણોના સમૂહને વરદાન માંગવા કહ્યું, અને એ બ્રાહ્મણોના સમૂહે જે તે આશ્રમમાંથી ગૌતમ ઋષિને અને તેમની પત્ની અહલ્યાને બહાર કાઢવા જણાવ્યું. જે કામ ખુદ ગણપતિ માટે આકરુ અને અકારું પણ હતુ, પણ બ્રાહ્મણોને આપેલા વરદાન પછી ગણપતિ પોતે અસહાય હતા. ગણપતિએ કૃશકાય ગાયનો વેશ ધર્યો અને આશ્રમની વાડીમાં આવીને અડિંગો જમાવ્યો.

ગૌતમ ઋષિના ધ્યાને એ વાત આવતા તેમણે ગાયને આશ્રમની વાડીમાંથી ભગાવવા માટે તરણાથી પ્રહાર માત્ર કર્યો અને એ કૃશકાય ગાય ત્યાં અવસાન પામી, ગૌતમ ઋષિ પર “ગૌહત્યા”નું આળ અને ગૌહત્યાનું પાપ લાગ્યું. બ્રાહ્મણોએ ગૌહત્યાના નામે ગૌતમ ઋષિને પોતાનો આશ્રમ છોડી દેવા સખત દબાણ કર્યું. અને ગૌતમ ઋષિએ પોતાનો આશ્રમ ત્યજી દીધો

ગૌતમ ઋષિએ પોતાની પત્ની અહલ્યા સાથે પોતાના મૂળ આશ્રમથી બે કોષ દૂર રહેવાની શરૂઆત કરી, પરંતુ જે તે બ્રાહ્મણોએ ગૌહત્યાની વાત આગળ ધરી એ વાતનું રટણ ચાલુ રાખ્યુ કે “ગૌહત્યાના પાપીને વેદ – પાઠ કરવાનો કે  યજ્ઞયાગાદિ કરવાનો કોઈ જ અધિકાર રહેતો નથી.

ગૌતમ ઋષિએ જે તે બ્રાહ્મણોને ખુબ જ આજીજી કરી અને અનેક કાલાવાલા કર્યા પણ બ્રાહ્મણો એકના બે ના થયા આખરે ગૌતમ ઋષિએ જે તે બ્રાહ્મણોને જ કથિત ગૌહત્યાના પ્રાયશ્ચિત્તનો ઉપાય બતાવવા વિનવણી કરી. અને બ્રાહ્મણોએ ખુબ જ આકરા ઉપાયો સૂચવ્યા

૧. પોતે કરેલું ગૌહત્યાનું પાપ સૌને કહેતા કહેતા ત્રણ વખત આખીયે પૃથ્વીની ત્રણ વખત પ્રદક્ષિણા કરવી

૨.બ્રહ્મગિરિ પાછા આવીને એક મહિનાના નકોરડા ઉપવાસ કરવા

૩. ત્ત્યારબાદ બ્રહ્મગિરિની ૧૦૧ પ્રદક્ષિણા કરવી

અથવા

૧. બ્રહ્મગિરિમાં ગંગાજીને અવતરિત કરાવવી, એ જળમાં સ્નાન કરી દેહશુદ્ધિ કર્યા પછી

૨. એ ગંગાજીના પાણીથી એક કરોડ પાર્થિવ શિવલિંગો પર અભિષેક કરી એ એક કરોડ પાર્થિવ શિવલિંગોની પૂજા કરવી

૩. બ્રહ્મગિરિની ૧૧ વખત પ્રદક્ષિણા કરવી..

બસ ત્યારે ગૌહત્યાના પાપમાંથી મુક્તિ મળશે અને આશ્ચર્યજનકરીતે ગૌતમ ઋષિએ બ્રાહ્મણોએ પ્રાયશ્ચિત કરવા સૂચવેલા ગંગા અવતરણ સહિતના તમામેતમામ કાર્યો પુરા કર્યા. અને એ સમયે ભગવાન શિવ પ્રગટ થયા ગૌતમ ઋષિએ પોતાને ગૌહત્યાના પાપમાંથી પોતાને મુક્ત કરવા આજીજી કરી.

 

ત્યારે ભગવાન શિવે કહ્યું ” છળપૂર્વક તમારા પર ગૌહત્યાનું આળ લગાવાયુ હતુ. તમે ગૌહત્યા કરી જ ના હતી. હું એ તમામ બ્રાહ્મણોને તેમને આચરેલા છળ માટે હું આકરી સજા આપવા માંગુ છું.” ત્યારે ગૌતમ ઋષિએ ભગવાનને એમ કરવાની ના પાડી અને કહ્યું “એમના એ છળના કારણે જ તો મને આપના દર્શન થયા છે.”

સાથેસાથે ગૌતમ ઋષિએ ભગવાન શિવને બ્રહ્મગિરિમાં કાયમી વસવાટ કરવા કહ્યું ભગવાને એ વાત માની લીધી અને ત્રિનેત્રેશ્વર ઉર્ફે ત્રમ્બકેશ્વર સ્વરૂપે એ ત્યાં બિરાજ્યા. બ્રહ્મગિરિમાં અવતરિત ગંગા ઉર્ફે ગોદાવરી વારંવાર લુપ્ત થઇ જતી. ગોદાવરીને લુપ્ત થતી બચાવવા ગૌતમ ઋષિએ કુશ ઉર્ફે તૃણથી એને બાંધી દીધી છે, એથી આજે બ્રહ્મગિરીનો એ વિસ્તાર કુશાવર્તના નામે પણ ઓળખાય છે, ગૌતમઋષિનો આશ્રમ બ્રહ્મગિરિમાં ગૌતમઋષિ સાથે તેમના પત્ની સતી અહલ્યા પણ આશ્રમમાં રહેતા કહેવાય છે કે બ્રહ્માંડના ઉદ્દભવથી આજપર્યંત અહલ્યા જેવી સૌંદર્યવાન કોઈ સ્ત્રી પૃથ્વી પર અવતરી નથી.

સ્વર્ગના રાજા ઈન્દ્રની અહલ્યાને માણવાની અદમ્ય ઈચ્છા હતી, એક દિવસ ગૌતમ ઋષિ વહેલી સવારે ગોદાવરી નદીમાં સ્નાન કરવા ગયા, બસ ત્યારે જ અહલ્યાને માણવા માટે ઈન્દ્રએ ગૌતમ ઋષિનું રૂપ ધર્યુ અને ત્યારે જ નદીએથી  પાછા ફરેલા ગૌતમ ઋષિને છળથી અહલ્યાને માણીને પોતાના ઘરમાંથી બહાર નીકળતા પોતાના હમશકલને જોઈને આશ્ચર્ય થયુ.

અને ગૌતમ ઋષિએ ઈન્દ્રને ઓળખી લીધો ગૌતમ ઋષિએ તત્કાળ ઈન્દ્રને અને અહલ્યાને શ્રાપ આપ્યો કે ઈન્દ્ર આ જન્મ સહીત આવતા ૧૦૦૦ જન્મો સુધી નપુંસક જ રહે અને અહલ્યા શીલા બની રહે. ત્યારબાદ ગૌતમે પોતાના શ્રાપની તીવ્રતા ઘટાડવાના પ્રયાસરૂપે પાષાણરૂપ શીલા – અહલ્યાને સતયુગમાં ભગવાન રામના કોમળ ચરણસ્પર્શે ફરી માનવતાર મળશે એમ જણાવ્યું પણ આ શ્રાપ આપતાની સાથે જ ગૌતમ ઋષિએ પોતાની વિશિષ્ટ શક્તિ કાયમ માટે ગુમાવી દીધી

એ શક્તિ પાછી મેળવવા એમણે હિમાલય તરફ પ્રયાણ આદર્યું બસ ત્યારે રસ્તામાં સારસ્વતનગર ઉર્ફે શિહોરના સીમાડે આવેલા એક સ્થાનક પર રાત્રી રોકાણ કર્યું વહેલી સવારે પાર્થિવ પૂજા સમયે માટી લેવા જતા ગૌતમ ઋષિએ જોયુ કે ગુફામાં એક ગાય દૂધની ધારા કરતી હતી.

ઋષિએ વિચાર્યું કે ગુફામાં કાં તો કોઈ શિવલિંગ હોય અથવા કોઈ દેવતાઈ નાગ હોય ધ્યાન ધરીને જોતા એ ગુફામાં શિવલિંગ નજરે ચઢયુ જેની ગૌતમ ઋષિએ જે તે ગુફામાં જ સ્થાપના કરાવી બસ એ સ્વયંભૂ શિવલિંગ એટલે જ “ગૌતમેશ્વર”  સાથેસાથે પોતાની બાકી રહી ગયેલી અમોઘશક્તિથી નજીકમાં જ ગૌતમી નદીનું પણ અવતરણ કરાવ્યું.

આજેય જંગલ અને વનરાજીથી ઘેરાયેલા વિસ્તારમાં નદીકિનારે ભગવાન શિવ , ગૌત્તમેશ્વરના નામે બિરાજેલા છે એક હિન્દૂ તરીકે , એક ગુજરાતી તરીકે , એક ભારતીય તરીકે તમારે એકવખત તો સિહોર જવું રહયું અને સિહોર જોવુ રહ્યું કદાચ તમારા પગલા પણ રામાયણ, મહાભારતના સમયના મહાનુભાવો કે ઋષિવરોના કે એ પહેલાના સમયના મહાનુભાવો કે ઋષિવરોના પગલા પર જ પડે અથવા એ સૌએ કંડારેલી કેડીઓ પર ચાલવાનો મોકો પણ મળી જાય !

Source – Shankhnad Sihor

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments