સોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે
સોમનાથમાં બનશે, મુંબઈના મરીન ડ્રાઈવ જેવો વોક-વે જાણો ખાસિયત
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા સોમનાથને લઈને એ ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. કારણ કે તંત્ર દ્વારા સોમનાથમાં મરીન ડ્રાઈવ જેવો એક વોક-વે બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે હવે મરીન ડ્રાઈવ જોવા માટે ગુજરાતીઓને બહાર નહીં જવું પડે.
જે વોક-વે બનાવવામાં આવશે તે સોમનાથના સાગર દર્શનથી ત્રિવેણી સંગમ સુધી બનાવવામાં આવશે. આ વોક-વેની લંબાઈ 1.5 કિલો મીટર હશે અને તેની પહોળાઈ 700 મીટર હશે. વોક-વે માં આધુનિક મ્યુઝિક સિસ્ટમમાં અને લાઈટો પણ લગાવવામાં આવશે.
મહત્ત્વની વાત છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં સોમનાથ મંદિર દર્શને આવતા યાત્રાળુઓની સુવિધા કેન્દ્ર બનીને કાર્યરત થયું છે. સોમનાથ મંદિરમાં પાર્કિંગની સમસ્યા ન થાય તે માટે 2,500 જેટલી કાર પાર્ક થઇ શકે તેટલો વિશાળ પાર્કીંગ બનાવવામાં આવ્યું છે. હવે તંત્ર દ્વારા વોક-વે બનાવવાનો નિર્ણય કરતા લોકો દરિયા ઉપરથી અવર-જવર કરી શકશે.
થોડા દિવસો પહેલા જ સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સોમનાથમાં પાર્વતીજીનું ભવ્ય મંદિર બનાવવા બાબતે પણ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. યજ્ઞ શાળાની બાજુમાં પાર્વતીજીનું મંદિર બનાવવામાં આવશે અને આ મંદિરમાં સફેદ આરસના પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે. આ પાર્વતીજીનું મંદિર આકાશમાંથી
જોવામાં આવે તો પણ અલગ દેખાય એટલું વિશાળ હશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રભાસમાં એક શક્તિપીઠ હોવાનું કહેવામાં આવે છે પરંતુ આ શક્તિપીઠ ક્યાં છે તે કોઈને ખબર નથી. તેના કારણે સોમનાથમાં પાર્વતીજીનું મંદિર બનતા લોકોને શક્તિપીઠના પણ દર્શન થશે.