સ્પર્શ
બ્રાઝિલમાં ગમખ્વાર માર્ગ દુર્ઘટનામાં સોળ મૃત્યુ. ડોડા ખીણમાં આતંકવાદીઓ – સૈનિકો વચ્ચે ગોળીબારમાં દસ સૈનિકોના મૃત્યુ. ઉગ્રવાદીઓએ પચ્ચીસ ફૂકી ગ્રામજનોને ઠાર માર્યા. સૌરાષ્ટ્રમાં અકસ્માતની પરંપરા : વધુ ત્રણ અકસ્માત. પાંચના મોત : તેર ઘાયલ.
સંવેદનશૂન્ય થઇ મેં આદત પ્રમાણે સવારની ચા પીતાં પીતાં અખબારમાં મથાળાઓ પર નજર કરી અને એ જ મથાળાઓ મારા શ્રીમતીને વાંચી સંભળાવ્યાં. પછી મેં કહ્યું : ‘સારું, એટલા ઓછા. કેટલી વસતી વધી ગઇ. આવા સમાચારો રોજ હોય. એ હવે આપણને સ્પર્શ નથી કરતા.’
એ પછી સવારના અગિયારેક નહિ વાગ્યા હોય ને મારો એક મિત્ર અર્ધ ઊંચા જીવે આવ્યો. એ માંડ માંડ બોલી શક્યો : ‘યાર, આપણો જીગરી મહેન્દ્ર ! ડોડા ખીણમાં. હવે – હવે મહેન્દ્ર નથી. દોસ્ત !’
ઉત્સાહથી થનગનતા મારા યુવાન દોસ્તને હજુ હું વધુ યાદ કરું એ પહેલાં નાનો ભાઇ આવી પહોંચ્યો.
એનો ચહેરોય ઉદાસ હતો. હૃદય કશીક અમંગળ શંકાથી એક પળ ધબકારો ચૂકી ગયું.
એકદમ રડમસ અવાજે એણે કહ્યું : ‘ભાઇ, કાકાનું આખું કુટુંબ ગઇ કાલના દ્વારકા નજીક થયેલા અકસ્માતમાં સાફ થઇ ગયું.’
ક્ષણવારમાં જ દુનિયા આખી મારી સામે ઘૂમરાવા લાગી. સંપૂર્ણ જડ-શૂન્ય થઇ જવાયું.
હજી હમણાં જ મેં કહેલા શબ્દો : ‘એટલા ઓછા.. આવા સમાચારો આપણને….’ મારી સામે બાથ ભીડવા તૈયાર થઇ રહ્યા હતા.
સ્પર્શ- હરીશ મહુવાકર
…………………………………………………,,,,,,,,,……..