સારોલીના મહર્ષના ર્હૃદય, કિડની અને લિવરનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન અપાયું..
કોવિડ 19ના લોકડાઉન પછી પશ્ચિમ ભારતમાં હ્રદયદાન અને ટ્રાન્સપ્લાન્ટની સૌપ્રથમ ઘટના સામે આવી છે. 22 વર્ષના મહર્ષનું હ્રદય સુરતથી 280 કિમીનું અંતર માત્ર 90 મિનીટમાં કાપીને 35 વર્ષીય મહિલામાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
લેઉવા પટેલ સમાજના બ્રેનડેડ મહર્ષ હર્ષદભાઈ પટેલના પરિવારે હૃદય, કિડની અને લિવરનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
ટ્રકે અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચેલી..
3 જુલાઇના રોજ મહર્ષ રાત્રે આઠ કલાકે વિહાન ગામથી પોતાના ઘરે કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે વિહાન ગામ પાસે સાઈડ પર ઊભેલી ટ્રક સાથે અકસ્માતે પાછળથી કાર અથડાતા મહર્ષને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી.
જેથી તેને સારવાર માટે તાત્કાલિક બારડોલીમાં આવેલ સરદાર સ્મારક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની INS હોસ્પિટલમાં ન્યૂરોસર્જન ડૉ.અશોક પટેલની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો..
નિદાન માટે સિટીસ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું.
બ્રેઈનડેડ જાહેર થયા બાદ અંગદાન કરાયું..
ગુરુવાર તા. 9 જુલાઇ ૨૦૨૦ ના રોજ ન્યૂરોસર્જન ડૉ.અશોક પટેલ, ન્યૂરોફીજીશિયન ડો. મનોજ સત્યવાની, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.કરશન નંદાણિયા અને ડૉ. શિવમ પારેખે મહર્ષને બ્રેનડેડ જાહેર કર્યો હતો.
હર્ષદભાઈના મિત્ર અને પાડોશી રમેશભાઈ પટેલે તથા ડો. શિવમ પારેખે સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફનો સંપર્ક કરી મહર્ષના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી મહર્ષના પિતા હર્ષદભાઈ, માતા જયાબેન, મામા નિતેશભાઇ, તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી તેનું મહત્વ સમજાવ્યું.જેથી પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો હતો…