તળાજાના પર્વત ઉપર આવેલી આ ગુફામાં એક ગુફા એભલ મંડપ તરીકે ઓળખાય છે.
ભાવનગર- ખંભાતના અખાતના કિનારે શેત્રુંજી અને તળાજી નદીનો જ્યાં સંગમ થાય છે, તેના કિનારે આવેલું છે તળાજા ગામ. તળાજામાં બીજી સદીમાં મૌર્યકાળના સમયમાં અસ્તિત્વમાં આવેલી ઐતિહાસિક ગુફાઓ આજે પણ મોજૂદ છે. આ ગુફાઓમાં બૌદ્ધ ભિક્ષુકોએ વસવાટ કરીને તપશ્ચર્યા કરી હતી.
[su_youtube url=”https://youtu.be/E2RDeadudec”]
ભાવનગરનું આ તળાજા શહેર નદીના કિનારે આવેલું છે. અહીં પર્વત ઉપરથી તેનું વિહંગ દ્રશ્ય નરી આંખને ગમી જાય તેવું હોય છે. તાલધ્વજ પર્વત ઉપર 30 ગુફાઓ આવેલી છે. આ ગુફામાં બૌદ્ધભિક્ષુકોએ તપ અને શિક્ષણ પણ મેળવ્યું હોવાનું મનાઈ છે. આ ગુફાઓમાં કેટલીક ગુફાઓમાં તો આજે પણ પાણીના કુંડ જોવા મળે છે. અને એ કુંડમાંથી પાણી પણ નીકળે છે. તળાજાના પર્વત ઉપર આવેલી આ ગુફામાં એક ગુફા એભલ મંડપ તરીકે ઓળખાય છે. આ ગુફામાં 8મી સદીમાં રાજા એભલ દ્વારા 999 કન્યાઓના સમૂહ લગ્ન કરાવ્યા હોવાની પણ માન્યતા છે. આ તળાજા ગામ નરસિંહ મહેતાની જન્મભૂમિ છે, આથી એક ગુફા તેમના નામ સાથે પણ સંકળાયેલી છે. આ ગુફાઓની વિશેષતા એ છે કે, અહીંની એક પણ ગુફાને પિલર નથી તેમ છતાં પણ આજે અડીખમ છે.
આ પર્વત ઉપર જૈનના દેરાસર તેમ જ ખોડિયાર માતાનું મંદિર અને એક દરગાહ પણ આવેલી છે . આમ તો ભાવનગર અને સમગ્ર જિલ્લો રાજાશાહી સમયમાં ગોહિલવાડ તરીકે ઓળખાતો હતો. અને અહીં શિલ્પ સ્થાપત્યોનો ભરપૂર ખજાનો પણ જોવા મળે છે. થોડા સમય પહેલા અહીં હાથબ નજીક થયેલા ખોદકામ દરમિયાન એક જૂનું નગર મળી આવ્યું હતું. અને આ રીતે અહીં અનેક પુરાતત્વ ચીજો જોવા મળે છે.
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા આ ગુફાના ઇતિહાસ માટે 1952થી 1956 દરમિયાન ખાસ સંશોધન કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં રાજાશાહી સમય અને પુરાતન કાળના અનેક શિલ્પ સ્થાપત્યો આવેલા છે. પણ ખાટલે મોટી ખોટ હોય તેમ અહીં પુરાતત્વ વિભાગની કચેરી જ નથી. આથી જો કોઈ પુરાતન વિભાગને લગતી ફરિયાદ હોયતો લોકો કરે ક્યાં તે એક પ્રશ્ન છે. ભાવનગરનાં જાણીતા ઈતિહાસવિદ પિ.જી કોરાટે જણાવ્યું હતું કે “ આ સ્થળની પ્રવાસન વિભાગ સંભાળ લે અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવે એ જરૂરી છે.
ઇતિહાસવિદો અને સંશોધનકર્તાઓ દ્વારા આ ગુફાઓને વિશ્વ સ્તરે નામના મળે તે માટે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
Search – apnubhavnagar @apnubhavnagar
#apnubhavnagar