મોટાભાગના ગુજરાતીઓ ચાના રસિયાઓ હોય છે. અને ગામ કે શહેરમાં ઠેર-ઠેર તમને ચાની કિટલી જોવા મળે જ. અને એ કિટલીઓ પર અડ્ડો જમાવીને ઠઠ્ઠા મશ્કરી કરતાં લોકોનું ગ્રૃપ.
આ કિટલી કલ્ચર ગુજરાતનાં ધબકારા જેવું છે. પણ ગુજરાતમાં એક ગામ એવું પણ આવેલું છે કે, જ્યાં રાજા રજવાડા કે આઝાદી બાદથી આજ દિન સુધી ચાની કિટલી કે વેચાણ થતું જ નથી.
તમને જાણીને નવાઈ લાગશે, પણ આ હકીકત છે. તો આવો જાણીએ ગુજરાતનાં આ ઈન્ટરેસ્ટિંગ ગામ વિશે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં કોલકી ગામ આવેલું છે. ગામની વસતી તો 6500ની આસપાસ છે. પણ આ ગામમાં એકપણ ચાની કિટલી નથી.
રાજા રજવાડાના સમય કે પછી આઝાદી બાદ આજ દિન સુધી ગામમાં એકપણ ચાની લારી, કેબિન કે દુકાન ક્યારેય ખુલી નથી.
ગામ લોકોની મુલાકાત કરતાં જણાવ્યું કે, ચાની દુકાન ન ખોલવા પાછળનું કારણ એક એ પણ છે કે કોઈ વ્યક્તિ બહારનું આવે તો ચા પીવા ઘરે લઈ જઈએ છીએ, ત્યારે બધા સાથે સબંધો પણ વિકસિત થાય છે.
આ ઉપરાંત ગ્રામજનોએ એમ પણ જણાવ્યું કે, સબંધો યાદગાર બની રહે એ હેતુથી તેમજ યુવાધન અવળાં રસ્તે ન ચડી જાય અને વ્યસનમુક્ત રહે ઉપરાંત બહાર ચાનો ખર્ચ પણ બચે એ માટે અત્યાર સુધીમાં ક્યારેય ચાની કીટલી ચાલતી નથી.
જો કે, અહીં દુકાનમાં ઠંડા પીણા મળે છે અને બહાર નીકળતા લોકો ઠંડા પીણા પીતાં નજરે ચડે છે. પણ ચા તો ઘરે જ પીવાની.