રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરાવતા લાયકાત વગરના શિક્ષકને દૂર કરવાનો મુદો અભરાઈએ ચઢાવી દેવાયો હોય તેમ જણાય છે. કેન્દ્રના આદેશ બાદ રાજ્યમાં શિક્ષકોને લાયકાત મેળવવા માટે મુદત અપાઈ હતી.
આ મુદત ૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ પૂર્ણ થઈ હોવા છતાં હાલમાં પણ રાજ્યની શાળાઓમાં લાયકાત વગરના શિક્ષકો દ્વારા જ શિક્ષણ કરાવવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે તેમ છતાં આવા શિક્ષકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મુદત પૂર્ણ થયાને ૧૦ માસ જેટલો સમય થઈ ગયો છતાં એક પણ શિક્ષકને ઘેર ભેગા કરાયા નથી.
રાજ્યની શાળાઓમાં લાયકાત વગરના શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. અનેક ખાનગી શાળાઓના શિક્ષકો પાસે શિક્ષક બનવા માટેની પૂરતી લાયકાત ન હોવા છતાં તેઓ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા.
દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા શાળાઓમાં લાયકાત વગરના શિક્ષક માટે લાયકાત મેળવવા માટે પ્રોગ્રામ શરૂ કરાયો હતો. જેમાં શિક્ષકે નોંધણી કરાવી પરીક્ષા પાસ કરી લાયકાત મેળવી લેવાની હતી. આ લાયકાત મેળવવા માટે શિક્ષકોને બે વર્ષની મુદત પણ આપવામાં આવી હતી અને આ સમયગાળા દરમિયાન જો શિક્ષક લાયકાત નહીં મેળવે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
૩૧ માર્ચ, ૨૦૧૯ સુધીની મુદત શિક્ષકોને અપાઈ હતી અને તે દરમિયાન રાજ્યના ઢગલાબંધ શિક્ષક કે જેમની પાસે લાયકાત ન હતી તેમણે લાયકાત મેળવવા માટે અરજી કરી પરીક્ષા પાસ કરી હતી. જોકે, હાલમાં ઘણા શિક્ષક પણ એવા છે કે તેમણે સરકારની આ યોજના પ્રત્યે ધ્યાન જ આપ્યું ન હતું અને લાયકાત ન હોવા છતાં પરીક્ષા આપી ન હતી.
આવા શિક્ષકોને ૩૧ માર્ચ, ૨૦૧૯ પછી સ્કૂલમાંથી હાંકી કાઢવાનું નક્કી કરાયું હતું. જોકે, મુદત પૂર્ણ થયા બાદ પણ રાજ્યની અનેક શાળાઓમાં આવા લાયકાત વગરના શિક્ષક દ્વારા જ અભ્યાસ કરાવવામાં આવતો હોવા છતાં તેમને ફરજ પરથી દૂર કરવાની તસ્દી લેવામાં આવી નથી.
લાયકાત મેળવવા માટેની મુદત પૂર્ણ થયાને ૧૦ માસ જેટલો સમય થયો હોવા છતાં હજુ સુધી લાયકાત વગરના એક પણ શિક્ષકને હટાવવામાં આવ્યા હોય તેવું ધ્યાને આવ્યું નથી. જોકે, આ મુદે સરકાર આગામી દિવસોમાં કાર્યવાહી કરવાનું મન બનાવી બેઠી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
જેમાં લાયકાત વગરના શિક્ષક માટે સ્કૂલને દંડ કરવાનું આયોજન કરાયું છે. જોકે, આ મુદ્દે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાનું જાણવા મળે છે. જો, સરકાર આવા શિક્ષકને ઘર ભેગા કરશે તો રાજ્યના હજારો શિક્ષકને ઘરે બેસવાનો વારો આવી શકે છે.