ભાવનગર શહેર અને જિલ્લામાં માર્ગો પર દોડતા ૮ લાખ વાહનો અને કારખાનાઓમાં હાલ લોકડાઉનના કારણે બંધ હોઈ ભાવનગરમાં થાપનાથ મહાદેવ મંદિરેથી માળનાથ મહાદેવની પર્વતમાળા દેખાઈ રહી છે.
આમ, લોકડાઉનથી કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો અને શુદ્ધ હવાના પ્રમાણમાં વધારો થયો હોવાનું જણાવી પર્યાવરણ પ્રેમીઓ આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
‘અદ્રશ્ય શત્રુ’ કોરોના વાઈરસની મહામારીને વકરતી રોકવા માટે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં તા. ૨૫ માર્ચથી ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. આ લોકડાઉન અંતર્ગત ભાવનગર સહિત સમગ્ર દેશમાં વાહન વ્યવહાર, ઔદ્યોગિક ગતિવિધિ થંભી ગઈ છે.
વિશેષજ્ઞાોનું કહેવું છે કે, ભાવનગર શહેર જિલ્લામાં ૮થી ૧૦ લાખ દ્વિચક્રી, ત્રિચક્રી અને ચતુરચક્રી વાહનો છે. જેમાંથી ગુડ્સ અને ગવર્મેન્ટના વાહનો સિવાયના અંદાજે ૮ લાખથી વધારે વાહનોના પૈડા છેલ્લા ૧૩ દિવસથી લોકડાઉનના કારણે થંભેલા છે.
એ જ રીતે કારખાનાઓમાં પણ પ્રોડક્શન બંધ છે. પરિણામે આવશ્યક ચીજવસ્તુઓ સિવાયનું માલ પરિવહન પણ અટકી ગયું છે. આ સ્થિતિના લીધેકાર્બન ઉત્સર્જનનું પ્રમાણ નોંધપાત્ર ઘટયું છે.
કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટતા પ્રદૂષણની માત્રામાં ઘટાડો થઈ રહ્યો છે અને શુદ્ધ હવાના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. જેના લીધે દૂરદૂરની પર્વતમાળા પણ ચોખ્ખી દેખાઈ રહી છે.
ભાવનગરના બોરતળાવ ખાતે આવેલ થાપનાથ મહાદેવજીના મંદિરેથી માળનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે તે ખોખરાની પર્વતમાળા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તેથી પર્યાવરણ પ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ..