

જણાવી દઈએ કે થોડા સમય પૂર્વે નવરાત્રિના આયોજકોએ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી સાથે મુલાકાત પણ કરી હતી અને તેમણે નવરાત્રિ અંગે રજૂઆત કરી હતી. ત્યારે આજે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જે વાત કહી છે તેનાથી લોકોનો ઉત્સાહ અને આશા વધી છે કે જો આગામી દિવસોમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં આવશે તો નવરાત્રિ થઈ શકે છે.
રાજ્ય સરકાર કોરોનાને લઈ જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરી કેવી રીતે નવરાત્રિ ઉજવી શકાય તેના વિશે વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવાશે કે નવરાત્રિ થશે કે નહી.
ગૃહ રાજ્ય મંત્રીના આ નિવેદન બાદ ગરબાના ખેલૈયાઓમાં પણ આગામી દિવસોમાં નવરાત્રિ યોજાવાના સારા સમાચાર મળી શકે છે તેવી અટકળો શરુ થઈ છે. બીજી તરફ ચર્ચા એવી પણ થઈ રહી છે કે નવરાત્રિ માટે સરકાર છૂટછાટ આપી શકે છે પરંતુ તેના માટે કડક નિયમો પણ અમલમાં મુકવામાં આવશે. આ અટકળો ત્યારે વેગવંતી બની જ્યારે રાજકોટના એક ગરબા આયોજક દ્વારા નવરાત્રિ 2020 માટે પાસ બુકિંગની શરુઆત કરવામાં આવી.
અત્રે ઉલ્લેખનીય એ પણ છે કે કોરોનાની મહામારીના કારણે હજુ સરકારે શાળા, કોલેજે, સિનેમા હોલ જેવી જગ્યાઓ ખોલવા પણ મંજૂરી આપી નથી. એટલું જ નહીં અત્યાર સુધીમાં મંદિરોમાં થતા મોટા ઉત્સવો દરમિયાન પણ મંદિર બંધ રાખવામાં આવ્યા છે. તેવામાં હવે જોવાનું એ રહ્યું કે નવરાત્રિના આયોજનને છૂટ આપવામાં આવશે કે કેમ..