કેન્દ્રીય ગૃહમંત્રાલયે સોમવારે બહાર પાડેલી નવી માર્ગદર્શિકાના આધારે ગુજરાત સરકારે ‘અનલૉક-2’ને લગતી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે મધરાતથી અમલી બનશે.
દુકાનો સાંજે આઠ વાગ્યા સુધી, જ્યારે રેસ્ટોરાં રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્લાં રહી શકશે.
રાત્રે 10 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધીનો કર્ફ્યુ લાગુ રહેશે.
રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબના કન્ટેઇન્મૅન્ટ અને માઇક્રૉ-કન્ટેઇન્મૅન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં અમુક પ્રવૃત્તિઓ શરૂ કરવાની છૂટ આપી છે.
કન્ટેઇન્મૅન્ટ ઝોનમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓને જ છૂટ મળશે. જેનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા દરમિયાનનો રહેશે.
સ્થાનિક જિલ્લાતંત્ર દ્વારા કન્ટેઇન્મૅન્ટ વિશેનો નિર્ણય લેવામાં આવશે અને તેની માહિતી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. આ વિસ્તારમાં રહેતા દુકાનદારો, કર્મચારીઓ તથા શ્રમિકો ઝોન છોડીને બહાર નહીં નીકળી શકે.
ખેલ સ્ટેડિયમ અને સ્પૉર્ટ્સ કૉમ્પલેક્સમાં કચેરીઓ અને પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે, પરંતુ દર્શકો મોટી સંખ્યામાં એકઠાં નહીં થઈ શકે. આ સિવાય સ્પૉર્ટ્સ ઇવેન્ટનું પ્રસારણ થઈ શકશે.
એસ.ટી. બસો અમદાવાદમાં નિશ્ચિત બસ સ્ટોપ સહિત રાજ્યભરમાં દોડશે.
એસ.ટી. માટે નિર્ધારિત માર્ગદર્શિકાને આધીન ખાનગી બસો દોડી શકશે.
જેમાં અમદાવાદ અને સુરતમાં કન્ટેઇન્મૅન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં 50 ટકા ક્ષમતા સાથે, જ્યારે અન્ય વિસ્તારોમાં કન્ટેઇન્મૅન્ટ ઝોન સિવાયના ઝોનમાં 60 ટકા ક્ષમતાથી દોડશે. આમા વ્યવસ્થામાં મુસાફર ઊભી રહી નહીં શકે.
સિટી બસો માટે પણ ઉપર મુજબની જ બેઠક મર્યાદા રહેશે.
ચીન : કોરોનાની જેમ મહામારી લાવી શકે એવો નવો વાઇરસ મળ્યો
કોરોના વાઇરસ : ચીન પોતાની આ પ્રાચીન દવાથી દર્દીઓને સાજા કરી રહ્યું છે?
તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્યૂશન ક્લાસ બંધ રહેશે, જોકે ઑનલાઇન કે ડિસ્ટન્સ લર્નિંગની પ્રવૃત્તિ અને નિયમિત વહીવટી પ્રવૃત્તિઓ ચાલુ રહી શકશે.
સરકારી કચેરીઓ તથા બૅન્કો યથાવત્ ચાલુ રહેશે, જ્યારે ખાનગી ઓફિસોને વર્ક ફ્રૉમ હોમ ઉપર ભાર મૂકવા માટે કહેવામાં આવ્યું છે.
આઠમી જૂનથી નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા બાદ રેસ્ટોરાં, હોટલ તથા શૉપિંગ મૉલ વગેરે ખોલી શકાશે.
મેટ્રો રેલ, સિનેમા હૉલ, સ્વિમિંગ પુલ, બાર, જિમ્નૅશિયમ, ઑડિટોરિયમ, સભાખંડ તથા સમાન પ્રકારનાં સ્થળો ઉપર નિષેધ ચાલુ રહેશે.
સામાજિક/રાજકીય /ખેલ /મનોરંજન /શૈક્ષણિક /સાંસ્કૃતિક તથા ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યાના એકઠા થવા ઉપરનો પ્રતિબંધ યથાવત્ રહેશે.
અંતિમવિધિમાં મહત્તમ 20 ડાઘુ તથા લગ્નકાર્યક્રમમાં મહત્તમ 50 મહેમાનની ટોચમર્યાદા યથાવત્ રાખવામાં આવી છે.
સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને જાહેરમાં થૂંકવા સહિતના કોવિડ-19 સંબંધિત રાષ્ટ્રીય નિર્દેશો લાગુ રહેશે.
65 વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધો, અન્ય બીમારી ધરાવનારી વ્યક્તિ, ગર્ભવતી મહિલા તથા 10 વર્ષથી નીચેનાં બાળકોને અનિવાર્ય ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.
આ પહેલાં આઠમી જૂનથી કન્ટેઇન્મૅન્ટ ઝોનની બહાર સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરને આધીન ધાર્મિક સ્થળો, શૉપિંગ મૉલ, રેસ્ટોરાં તથા હોટલ વગેરેને ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી હતી…