સુર્યવંશી ગોહિલ રાજસ્થાનના ખેરગઢથી સેજકજી ગોહિલના નેતૃત્વ નીચે ઈ.સ. 1250 માં સૌરાષ્ટ્રમાં આવ્યા હતા. ઈતિહાસ પ્રસિદ્ધ ભાવનગર, લાઠી, પાલીતાણા તેમજ રાજપીપળાના રાજવંશો સેજકજીના વંશજ છે.
બાપ્પા રાવલ (કાલભોજ)ના વંશજ મેવાડના રાજા નરવાહનના ઉત્તરાધિકારી શાલિવાહન તેના ઉત્તરાધિકારી મોહીદાસજીના પુત્ર ઝાંઝરજીના પુત્ર સેજકજીએ મેવાડથી સૌરાષ્ટ્રમાં સ્થળાંતર કર્યું.
આ સમયે જૂનાગઢની ગાદીએ રાં’ મહીપાલદે રાજય કરતા હતા. સેજકજીને તેનું સંરક્ષણ મળ્યું. સેજકજીની તેમણે પોતાના રાજ્યમાં મહત્વના હોદાએ નિયુક્તિ કરી અને શાહપુર આસપાસનાં બાર ગામની જાગીર પણ આપી. સેજકજીએ શાહપુર (હાલના સુદામડા, તા. સાયલા) નજીક એક નવું ગામ વસાવી તેનું નામ સેજકપુર રાખ્યું.
ઈ.સ. ૧૨૯૦માં સેજકજીનું અવસાન થતાં તેમના પાટવીકુંવર રાણજી ગાદીએ બેઠા. તેમના ભાઈ શાહજી (પાલીતાણા) અને સારંગજી (લાઠી) હતા. રાણજીએ હાલના રાણપુર આસપાસનો પ્રદેશ જીતી લઈ ત્યાં પોતાની રાજધાનીની સ્થાપના કરી તેનું નામ રાણપુર રાખ્યું. નદી કિનારે કિલ્લો બંધાવ્યો.
રાણજી પછી તેમના પુત્ર મોખડાજી (ઈ.સ. ૧૩૦૯ થી ૧૩૪૭) ગાદીએ આવ્યા. મોખડાજી ગોહિલે કાગડિયા શાખાના કોળી શાસક પાસેથી ઉમરાળા લઈ ત્યાં ગાદી સ્થાપી. આ સમયે આરબ વેપારીઓનો વેપાર ખંભાત, સુરત
અને ઘોઘાના બંદરોએથી થતો હતો. આ બંદરોના વિસ્તારમાં આમની મુખ્ય વસ્તી હતી. તેઓ ચાંચિયાગીરી વિશેષ કરતા અને વેપારીઓને હેરાન-પરેશાન કરતા. આરબ ઉપરાંત સામા કાંઠાના હિંદુ વેપારીઓને પણ આમની પજવણી એટલી જ હતી. તેમણે ઉમરાળાના ગોહિલ શાસક મોખડાજીને આમાંથી મુક્તિ અપાવવા વિનવ્યા. મોખડાજી સાહસિક હતા. તેમણે સમુદ્ર વ્યવહારના રક્ષણની જવાબદારી સ્વીકારી, ખોખરા, ઘોધા વગેરે જીતી લઈ રાજય વિસ્તાર કર્યો.
‘તળ ખોખરા તણે, ગાળે કેશર ગરજીયો,
ત્યા વિધ્યાચળવાળે, મુક્યા ચારો મોખડા.’
ત્યાર પછી આ વિસ્તારમાં મોખડાજીનો પ્રભાવ વધવા લાગ્યો. પીરમબેટ નજરે ચડતા ખંભાતના અખાતમાં આ ટાપુનું જે ભૌગોલિક સ્થાન છે તેનું મહત્વ આ રાજવીને સમજાઈ ગયું. પીરમબેટ આ સમયે બારૈયા કોળીઓના હાથમાં હતું. બારૈયાના મુખી ત્રિકાળિયાને તથા તેના સાતસો જેટલા સાથીઓને મહાત કરી મોખડાજી ગોહિલે પીરમબેટ જીતી લીધો. પીરમબેટમાં જ વસવાટ કરાવી ફરતો કિલ્લો… ગઢ બાંધ્યા. મોખડાજી ગોહિલે દરિયાઈ વ્યાપાર માર્ગ અને
પીરમબેટ પર પોતાનું સુદૃઢ આધિપત્ય પ્રસ્થાપિત કર્યું. તેમાં તેમની દીર્ધદષ્ટિ જોઈ શકાય છે.
મોખડાજીને થોડા જ સમયમાં વિધર્મીઓનો સામનો કરવાનો પ્રસંગ ઉભો થયો, દિલ્હીનો એક આરબ વેપારી તેમનાં વહાણો ભરીને પીરમબેટ પાસેથી પસાર થતાં મોખડાજી ગોહિલે દાણ માગ્યું. જે આપવા વેપારીએ ના પાડતાં મોખડાજીએ તેમના વહાણો જપ્ત કર્યા. દિલ્હી સલ્તનતને સુલતાન અહમદ તુઘલખ (ઈ.સ. ૧૩૨૫ થી ૧૩૫૧) આ સમયે ગુજરાતમાં હતો..
તેમની પાસે આરબ વેપારીએ ફરિયાદ કરી કે પીરમબેટનો એક હિંદુ ઠાકોર ઈસ્લામી જહાજના માલ ઉપર જકાત લે છે. વેપારીની ફરિયાદથી દિલ્હીનું લશ્કર ખંભાતથી ઘોઘા ખાતે આવ્યું. (ઈ.સ. ૧૩૪૭) પીરમબેટ પર આક્રમણ કરવાનું
તેને અશક્ય લાગતાં મોખડાજી ગોહિલને તાબે કરવા ઘણા પ્રયાસો કર્યા. પરંતુ સફળતા ન મળતાં પીરમના માર્ગોને ઘેરો ઘાલવામાં આવ્યો. પીરમમાં આ રીતે ઘેરાઈને પડ્યા રહેવાનું મોખડાજીને યોગ્ય ન લાગતાં એક રાત્રીએ પોતાના
લકરને ધોધામાં પ્રવેશ કરાવ્યો. સુરજ ઉગતાં વેત દરવાજા ખોલીને ક્ષત્રિયએ દુશ્મન લશ્કર પર તૂટી પડી વીરોચિત સામનો કર્યો.
‘‘બળવંત વરરાજા બન્યો ઘોઘામાં ઘમસાણં,
રંભાથી રઢરાણ, મંગળવર્તયો મોખડા.”
લડતાં લડતાં મોખડાજી ગોહિલનું માથું ઘોઘાના કાલિકા દરવાજા પાસે પડ્યું અને ધડ લડતાં લડતાં ઘોઘાથી સાતેક ગાઉ દૂર ખદડપર ગામ સુધી ગયું. તે એટલા ઝનુનથી લડ્યું કે દુશ્મનો તેની સામે ટકી શક્યા નહીં અને નાસ ભાગ મચી ગઈ. કોઈકે દુશ્મોને સુઝાડ્યું કે ધડ પર ગળીનો દોરો મદિરા માં બોળી ને નાખો, નહીં તો કોઈ જીવતાં નહી રહો. તે પ્રમાણે કરવાથી ધડ ખદડપરમાં ચૈત્ર સુદ-૯ (નોમ) વિક્રમ સં૧૪૦૩, ઈ.સ. ૧૩૪૭ના રોજ પડ્યું. સૂર્યવંશી વીર મોખડાજી ગોહિલની શહીદી બાદ દુશ્મન લશ્કર પુરી તાકાતથી લડ્યું અને પીરમનો કોટ તોડી પાડ્યો.
મોખડાજી ગોહિલની વીર ગતિ પછી તુઘલખ થોડા દિવસ ઘોધામાં રોકાઈને પરત દિલ્હી જતો રહ્યો. આ ખબર મોખડાજીનાં પત્નીને હાથસણી મળતાં તે પોતાના કુંવર ડુંગરજીને લઈને ઘોઘા આવ્યા. તેણે તઘલખનાં થાણદારને હાંકી કાઢી ઘોધા ફરી કબજે કર્યું. ડુંગરજીએ રાજધાનીનું સ્થળ પીરમના બદલે ઘોઘા રાખ્યું.
આજે પણ વીર મોખડાજી ગોહિલની ઘોઘામાં દેરી છે, ખદરપરમાં પણ દેરી છે, પીરમબેટમાં પાળિયો છે. સૂરતના દરિયા કાંઠે એક પાળિયો છે. સ્થાનિક લોકો તેને ઘોઘા રાણા તરીકે ઓળખાવે છે. મહુવા પાસે સમુદ્ર કિનારે ઊંચા કોટડા (ચામુંડા)ના સ્થળે પણ એક મંદિર આવેલ છે..
મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પુણ્યતિથિ ચૈત્રસુદ-૧ (એકમ)ના દિવસે દર વર્ષે કૃષ્ણકુમારસિંહજી અને વીર મોખડાજી ગોહિલને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા આયોજન થાય છે. તેજ રીતે પીરમબેટ પાસેથી જે વહાણ પસાર થાય છે તેના ખારવાઓ મોખડાજીના દાણ (કર) બદલ પોતાની પાસેનું શ્રીફળ, થોડા પૈસા દરિયામાં પધરાવી ” લે મોખડા ગોહિલ તારું દાણ ” બોલી આજે પણ આ વીર પુરુષનો લાગો ચૂકવી શ્રદ્ધાથી તેમનું સન્માન જાળવે છે.
આજે પીરમબેટના કિલ્લાની દીવાલો નષ્ટ થઈ ગઈ છે. પથ્થરો ચારેબાજુ વેરાયેલા પડયા છે. મહેલના માત્ર પાયા જ ક્યાંક ક્યાંક જોઈ શકાય છે. સદીઓની ઉપેક્ષાએ બધી જ પુરાતન ભવ્યતા ભૂંસી નાખી છે. છતાં પણ પીરમબેટ વીર પુરુષ મોખડાજી ગોહિલની ઐતિહાસિક યાદ સંઘરીને બેઠો છે.
ગળીનો ઠંડો સ્વભાવ ઉકળતા લોહીને ઠંડુ પાડી શકે છે અને મદિરા / દારૂ એક જ એવી વસ્તુ છે જે ક્ષત્રિયનું ધનોત પનોત કરી શકે!
જય ગોહિલવાડ, ✍🏻 વિશ્વજીતસિંહ પ્રહલાદસિંહ ગોહિલ ચોમલ.