વિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના હાથમાં હતો.
વિસાજી ગોહિલના સમયમાં સિહોરનો વહીવટ રણા (દવે) અને જાની કુળના બ્રાહ્મણોના હાથમાં હતો.
હાલના સિહોર ગામ પાસે ‘જૂનું સિહોર’ તરીકે ઓળખાતી જગ્યા છે, ત્યાં ‘સાતશેરી’ના નામે એક ટેકરી છે. (કદાચ તે સમયે ત્યાં જુદી જુદી દિશાઓની સાત શેરીઓ એકઠી થતી હશે, એ ઉપરથી એ ટેકરીનું નામ ‘સાતશેરી’ પડયું હશે.)
તે ટેકરીની ટોચ ઉપર સોળ સ્તંભોવાળો એક ચોતરો હતો (હાલતો તે ખંડિત હાલતમાં છે, પરંતુ તેની બાંધણી સોલંકી સમયમાં બંધાવે મોઢેરાના સૂર્યમંદિરના અગ્રમંડપને મળતી આવે છે,
તેથી તે સોલંકી સમયમાં જ બંધાયેલો હશે તેમ લાગે છે.) આ ટેકરી અને ચોતરો તે વખતના સિહોર ગામની વચમાં હશે; અથવા તો તે ટેકરીની આજુબાજુ સિહોર ગામ વસ્યું હશે, તેમ હાલમાં ખોદકામ કરતાં ત્યાંથી જૂના મકાનોના મળી આવતા અવશેષો ઉપરથી મનાય છે.
વાસ્તવમાં, આ ટેકરી અને ચોતરાની મધ્યસ્થ જગ્યાને કારણે જ તેને બ્રહ્મણ વહીવટદારોએ પોતાની વહીવટી-કચેરી જેવી બનાવી હશે.
સિહોરનું આ બ્રહ્મણ-શાસન સદીઓ સુધી સારી રીતે, અને નિરવિઘને ચાલ્યું હશે. (જો કે તે વિષેના કોઈ દસ્તાવેજી પુરાવા અત્યાર સુધી પ્રકાશમાં આવ્યા નથી.)
પરંતુ ઈ.સ. ૧૫૭પમાં બ્રાહ્મણોના રણા (દવે) અને જાની કુળના વહીવટદારો વચ્ચે ઝઘડો થયો. ઝઘડાનું તાતકાલિક કારણ પણ નાનું બતાવવામાં આવે છે.
(જાની કટુંબની એક દીકરી રણા (દવે) કુટુંબમાં પરણાવી હતી. એક દિવસ તે દીકરી સાસરાનાં ઘરની ઓસરીમાં દહીં વલોવતી હતી, ત્યારે તેને માથેથી ઓઢણું ખસી ગયું, પણ ઘરમાં તે સમયે પુરુષવર્ગ હતો નહિ, તેથી ત તેણીએ પાછું માથું ઢાંકવાની દરકાર કરી નહીં. પરંતુ, તે સમયે સાતશેરીના ચોરા ઉપર બંને કટુંબોના વડીલો બેઠા હતા;
તેમાંથી કોઈની નજરે આ દશ્ય દેખાઈ પડયું, તેથી તેણે આ દીકરીના આવા નિર્લજજ પણાની ટીકા કરી. તે સાંભળીને આ દીકરીના પતિ રોષે ભરાઈને ઘરે આવ્યા, અને તેનું નાક અને ચોટલો કાપીને તેને ઘરની બહાર કાઢી મુકી.
તે દીકરીના પિયર પક્ષના જાની કુટુંબને આની જાણ થતા જાની અને રણા (દવે) કુટુંબો વચ્ચે ઝઘડો થયો, જે ભયંકર મારામારીમાં પરિણમ્યો, કહેવાય છે કે, આ મારામારીમાં બંને પક્ષે એટલા બધા બ્રાહ્મણ માર્યા ગયા, કે તેમના મૃતદેહો ઉપરથી ઉતારેલી જનોઈઓનું વજન સાત શેર (લગભગ ૪. ૫ કિલોગ્રામ) જેટલું થયું હતું, (તે ઉપરથી આ જગ્યાનું નામ ‘સાતશેરી’ પડયું હોવાનું કેટલોક માને છે…
આ હત્યાકાંડ પછી બંને પક્ષે જે બ્રાહ્મણો બચ્યા તેમણે રાજકીય મદદ માટે ચારે તરફ નજર દોડાવી. રણા (દવે) પક્ષના બ્રહ્મણો નજીકમાં પાલીતાણા પાસે આવેલા ગારિયાધારના રાજવી કાંધાજી ગોહિલ પાસે પહોંચ્યા અને સિહોરના કિલ્લા સહિત બાર ગામો તેને આપવાનું કહી, તેની મદદ માંગી.
બીજી બાજુ જાની પક્ષના બ્રાહ્મણો ઉમરાળા વિસાજી ગોહિલ પાસે પહોંચ્યા અને તેને સિહોર તથા તેના તાબાનાં બધાં જ ગામો આપવાની દરખાસ્ત કરી, તેની મદદ માગી.
આમાંથી ગારિયાધાર સિહોરની નજીક હોઈને ત્યાંના રાજવી કાંધાજી ગોહિલ સિહોરને પાદર પહેલા પહોંચી ગયા; પરંતુ તેઓ શુભ ચોધડિયાની રાહ જોઈને આરામ કરવા રહ્યા,
ત્યાં ઉમરાળાના વિસાજી ગોહિલે બીજે રસ્તે થઈને સિહોરના કિલ્લામાં પહોંચી ત્યાં પોતાનો કબજો કરી લીધો. અને પોતાનું સત્તાસૂચક તોરણ બાંધી દીધું. આથી ગારિયાધારવાળા નિરાશ થઈને પાછા ફર્યા…