વિટામીન ‘ડી’ની ઉણપથી હાડકાં નબળા રહે છે, રક્તવાહિનીઓ ક્ઠણ બને છે….
તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ વિટામીન ‘ડી’ને મળતું આવતું એક એવું ઘટક શોધી કાઢ્યું છે જે તમારી ત્વચા પર દેખાતી કરચલી કે ડાઘ-ધાબામાં તમને રાહત આપી શકે…
વાસ્તવમાં જે લોકો સૂર્યના આકરા તાપમાં વધુ સમય ગાળે છે તેમના ચહેરા પર જલદી કરચલી પડે છે. પરંતુ સંશોધકો કહે છે કે આ વિટામીન ‘ડી’ જેવું ઘટક ત્વચાને થતાં નુકસાનને 50 ટકા જેટલું ઘટાડે છે. તેની સૌથી સારી બાજુ એ છે કે આ ઘટકને સનસ્ક્રીન લોશનમાં મિક્સ કરીને પણ ઉપયોગમાં લઈ શકાય છે, કે પછી સનસ્ક્રીન લોશન લગાવ્યા પછી પણ લગાવી શકાય છે…
વૈશ્વિક સ્તરે કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે લોકોના શરીરમાં વિટામીન ‘ડી’ ઉત્પન્ન થઈ શકે એટલો તડકો જ બધાને નથી મળતો. પરિણામે તેઓ બીમાર પડે છે. વિટામીન ‘ડી’ની ઉણપથી હાડકાં નબળાં રહે છે, રક્તવાહિનીઓ કઠણ બને છે, સ્તન કેન્સર થવાની ભીતિ રહે છે. આ ઉપરાંત વિટામીન ‘ડી’નો અભાવ ડાયાબિટિસ, હૃદયરોગ અને ડિપ્રેશનને પણ નોંતરે છે…
હાડકાંમાં કેલ્શિયમ સારી રીતે શોષાય તેને માટે પણ વિટામીન ‘ડી’ આવશ્યક છે. આ સિવાય સ્નાયુને યોગ્ય રીતે કાર્યરત રાખવામાં, મજ્જાતંતુઓને સ્વસ્થ રાખવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ વિટામીન ‘ડી’ સહાયક બને છે.
તેથી જ તબીબો તડકો ખાવા પર ભાર મૂકે છે. જો તમને સવારના પહોરમાં તડકામાં બેસવા કે ચાલવા મળે તો તમે પૂરતા પ્રમાણમાં વિટામીન ‘ડી’ મેળવી શકો છો. જો તે શક્ય ન હોય તો બપોરના ભાગમાં તમે તમારા હાથ દસેક મિનિટ માટે પણ તડકામાં ખુલ્લા મૂકો તોય વિટામીન ‘ડી’ મેળવી શકો છો.
જેમની ત્વચાનો રંગ ઘેરો હોય તેમણે રોજ 15 થી 60 મિનિટ તડકો લેવો. આવુ કરવાથી ઘણા લોકોને ફાયદા થયા છે જેથી જો યોગ્ય રીતે કરવામાં આવે તો ફાયદાકારક છે.