મુદ્રા વિજ્ઞાન: આંગળીઓની સ્થિતિનું વિજ્ઞાન.
શરીર પાંચ તત્વો વાયુ, આકાશ, પૃથ્વી, આગ, અને જળનું બનેલું હોય છે. એટલે આપણા શરીરમા આ પંચતત્વોનું બેલેન્સ હોય ત્યાં સુધી આપણું તન રહે છે. પરંતુ આ બધા તત્વો માંથી કોઈ પણ તત્વમાં ખામી ઉભી થાય ત્યારે રોગો થતા હોય છે. પરંતુ તમને જણાવતા આનંદ થાય છે કે મુદ્રાશાસ્ત્રના આધારે આ તત્વોને બેલેન્સ કરી શકાય છે અને રોગોને સરળતાથી દૂર કરી શકાય છે.
આ પંચતત્વોમાં ખામી સર્જાવાને લીધે શરીરમાં હોર્મોન્સ બેલેન્સ બગડી જાય છે, ત્યારે વ્યક્તિને કોઈને કોઈ રોગ થતી થતો હોય છે. આ બીમારી માટે આપણે આધુનિક સારવાર કરવાને બદલે આપણે તેને કુદરતી રીતે દૂર કરી શકીએ છીએ. આયુર્વેદ અને યોગમાં તો અનેક રીત બતાવી છે, પરંતુ મુદ્રાશાસ્ત્રની મદદથી હાથની કેટલીક ખાસ મુદ્રાઓના આધારે જ પ્રેશર આપીને કોઈ પણ રોગોને મૂળ માંથી દુર કરી શકાય છે.
પાંચ વાયુ અને શરીર ઉર્જાને સંતુલિત કરવામાં અગત્યનો ભાગ ભજવતી મુદ્રાનો અભ્યાસ જરૂરી છે. તેથી તેની સંક્ષિપ્ત માહિતી જોઈએ. મુદ્રાઓ બ્રહ્માંડીય ઊર્જા જાગાડીને આત્માનું પરમાત્મા સાથે એકીકૃત થવામાં મદદ કરે છે. મુદ્રા એક એવું સર્વોચ્ચ વિજ્ઞાન જે માણસના મન અને મગજનો બહારથી અને અંદરથી તેનો અભ્યાસ કરે છે.
મુદ્રા વિજ્ઞાન વિશે પરિચય :-
શરીર પાંચ તત્વો આગ, વાયુ,આકાશ, પૃથ્વિ અને જળનુંબનેલું હોય છે. આ પંચ તત્વો આપણા હાથની પાંચ આંગળીઓ પ્રતિનિધિત્વ કરે છે. જેમાં અંગૂઠો આગનું, તર્જની(અંગુઠાની પાસેની પહેલી આંગળી) વાયુનું, મધ્યમ આંગળી (સૌથી લામ્બી) આકાશનું અને રીંગ આંગળી (પ્રવિત્રી આંગળી) અર્થ અથવા પૃથ્વીનું અને ટચલી આંગળી પાણીનું પ્રતિનિધિત્વ કરે છે.
દરેક જીવની આંગળીઓની ટોચ પર જ્ઞાનતંતુ કે ચેતાતંતુના મૂળ એકત્રિત થયેલા હોય છે. જે ઉર્જાનું વિસર્જન કરે છે. આ આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે કે દરેક આંગળીની ટોચ પર મુક્ત ઈલેકટ્રોન કેન્દ્રિત થયેલા હોય છે. આથી જ આંગળીઓની ટોચ એકબીજાને ટચ કરીને કે શરીરના બીજા ભાગો સાથે અડાડીને આ મુક્ત ઉર્જાને એક પ્રકારની ખાસ નહેર કે રસ્તાઓ દ્વારા પુનઃદિશામાન કરીને શરીરના વિવિધ ભાગોમાં ફરી મોકલાવામાં આવે છે. જે શરીરના વિવિધ ચક્રને ઉદ્દીપ્ત કરે છે અને મૂળભુત પાંચ વાયુ જે આપણે આગળ જોઈ ગયા તેને બેલેન્સ કરે છે.
હસ્તમુદ્રા એ કોઈ પણ વ્યક્તિની મનોદશા કે માનસિક સ્થિતિ કેવી છે. તે તેના હાવભાવ અને હાથની અને શરીરના હલનચલન પરથી ખબર પડે છે. આ કુદરતી છે તેથી તેને સંસ્કાર ગત મુદ્રા કહેવામાં આવે છે. મુદ્રાના પ્રકાર છે હસ્ત, મન અને કાયા અને બંધ અને આધાર. હાથની આંગળીઓ દ્વારા કરવામાં આવતી મુદ્રાને હસ્તમુદ્રા કહેવાય છે. હસ્ત મુદ્રાના મુખ્ય પ્રકાર છે ધ્યાન મુદ્રા, પૃથ્વી મુદ્રા, વરુણ મુદ્રા, શક્તિ મુદ્રા, વાયુ મુદ્રા, શૂન્ય મુદ્રા, અપાન મુદ્રા, જ્ઞાન મુદ્રા, ચિન મુદ્રા, યોની મુદ્રા, ભૈરવ મુદ્રા.
જ્ઞાન મુદ્રા :-
સફળતા મળવાનો ગુરૂ મંત્ર છે સ્મૃતિ શક્તિ અને જ્ઞાન મુદ્રા સ્મૃતિ શક્તિનો ગુણ વિકસાવે છે.
વિધિ :-
પદ્માસનમાં કે વ્રજાસન કે સુખાસનમાં બેસો. બંને હાથ ઘુંટણ પર મુકો. અંગુઠા પાસેની તર્જની આંગળીનો છેડો અંગુઠાના છેડા સાથે ટચ કરો. હળવું દબાણ આપો. બાકીની ત્રણેય આંગળીઓ સીધી અને જોડાયેલી રાખો.
સમય :-
સામાન્ય રીતે જ્ઞાન મુદ્રાનો સમય ૪૮ મિનિટનો છે. જો એક સાથે સમય ના હોય તો ૧૬-૧૬ મિનિટ ત્રણ વખત કરી શકાય. સવારે અભ્યાસ કરવાથી વધુ ફાયદો થાય છે.
ફાયદા :-
સ્મૃતિ-સ્મરણ શક્તિ અને એકાગ્રતા વધારે છે. બાળકોના અભ્યાસમાં ખાસ મદદ રૂપ થયા છે.
જીદ્દીપણું, ક્રોધ, રઘવાટ, વ્યાકુળતા દુર થાય છે.
મન શાંત, પ્રફુલિત બને છે. મસ્તિષ્કના સ્નાયુઓ શક્તિશાળી બને છે.
વાયુ મુદ્રા :-
શરીરમાં કુલ ૮૪ વાયુ છે. વાયુ રોગીને પરેશાન કરી મૂકે છે. સ્વાસ્થ્ય અને શાંતિ માટે વાયુનું બેલેન્સ જરૂરી છે અને તે સ્થિતિ વાયુ મુદ્રા દ્વારા શક્ય બને છે.
વિધિ :-
વજ્રાસનમાં બેસો. તર્જની આંગળીને અંગૂઠાના મૂળમાં બતાવ્યા પ્રમાણે ગોઠવો, અંગૂઠા વડે આંગળી પર હળવું દબાણ આપો અને અન્ય આંગળીઓ સિધી રાખો.
સમય :-
સવારે ૪૮ મિનિટ આ મુદ્રા કરવાથી લાભ થાય છે. એક સાથે શક્ય ના હોય તો ત્રણ ભાગમાં ૧૬ મીનીટના કરી શકાય.
ફાયદા :-
વાયુથી થનારા તમામ દુઃખાવા દુર થાય છે. પ્રકંપન, સાંધાનો વા, સાઈટિકા વાયુ-સૂળ વગેરે દુર થાય છે. પૌરૂષ તથા કાર્યશીલતાના ગુણો વિકસે છે.
સાવધાની:- આ મુદ્રાનો સમય મર્યાદાથી વધુ પ્રયોગ કરવો નહી અને દુ:ખાવો દુર થાય કે વાયુનું શમન થઈ જાય ત્યારે પ્રયોગ બંધ કરી દેવો..
અપાન મુદ્રા :-
શરીરનો કચરો શરીર માંથી બરાબર નીકળી ન શકે તો શરીર કચરા પેટી બની જાય છે. કબજીઆત દુર કરવા માટે અપાન મુદ્રા રામબાણ ઈલાજ છે.
વિધિ :-
ઉત્કટાસનમાં બેસો. હાથની બન્ને આંગળીઓ મધ્યમાં અને અનામિકા અંગુઠાના અગ્રભાગ ફોટામાં બતાવ્યા પ્રમાણે જોડીને દબાવો. બાકીની આંગળીઓ (તર્જની અને ટચલી) સીધી રાખો.
સમય :-
દિવસમાં ત્રણ તબક્કે ૧૬-૧૬ મિનિટ આ પ્રયોગ કરવો. પ્રયોગના અભ્યાસથી મૂત્ર વધુ થાય તો ગભરાવાની જરૂર નથી.
ફાયદા :-
કબજીઆત દુર થાય છે. કિડનીના રોગી માટે રામબાણ છે.
શરીર અને નાડી શુધ્ધ થાય છે.
દાંતોના દોષ-દુઃખાવા દુર થાય છે.
પરસેવો થવાથી શરીરનં તાપમાન જળવાઈ રહે છે.
હ્યદય શક્તિશાળી બને છે.
પેશાબને લગતા દોષો દુર થાય છે.
વિતરાગ મુદ્રા :-
સ્થિરતાનો વિકાસ થાય છે.
વિધિ :-
પદ્માશનમાં બેસી. ડાબા હાથની હથેળી નાભી પાસે રાખો. જમણાં હાથની હથેળી તેની ઉપર ગોઠવો. બન્ને હાથના અંગુઠા એકજાજાની ઉપર રહેશે.
પદ્માસનમાં બેસી ન શકાય તો સુખાસન અથવા વજ્રાસનમાં બેસીને આ મુદ્રાનો અભ્યાસ કરી શકાય.
સમય :-
સવારે આ મુદ્રાનો અભ્યાસ કરવાથી ફાયદો થાય છે. વિતરાગ ધ્યાનની મુદ્રા છે અને ૪૫ મિનિટ સુધી અભ્યાસ કરી શકાય છે.
ફાયદા :-
ઉર્જાનું સંતુલન થાય છે
શક્તિનું ઉર્ધ્વારોહણ થાય છે
સ્થિરતાનો વિકાસ થાય છે
તટસ્થાનો ગુણ વિકસે છે.
સમન્વય મુદ્રા :-
મનમાં કરેલો સંકલ્પ નિઃસંદેહ સફળ કરવા માટે સમન્વય મુદ્રાનો અભ્યાસ કરવામાં આવે છે.
વિધિ :-
સુખાસનમાં અથવા પદ્માસનમાં બેસો. હાથની આંગળીઓ અને અંગુઠાનો સમન્વય કરો. આ મુદ્રા કરવાથી પાંચેય તત્વ જળ, આકાશ, વાયુ, પૃથ્વી, અગ્નિ સંયુક્ત થઈ જાય છે.
સમય :-
આ મુદ્રાનો અભ્યાસ સવારે કરવાથી મહત્તમ લાભ થાય છે. આ મુદ્રાનો ઉપયોગ ૮ થી ૪૮ મિનિટ સુધી લંબાવી શકાય છે. વધારે સમય આ મુદ્રાનો પ્રયોગ ન કરવો.
ફાયદા :-
સંકલ્પ સિધ્ધ થાય છે.
શક્તિનો વિકાસ થાય છે.
તત્વોનું સંતુલન જળવાય.
દોષોનું શુધ્ધિકરણ થાય છે.
સૂર્ય મુદ્રા :-
સૂર્ય મુદ્રાના અભ્યાસથી ઉર્જાનો સંચાર થાય છે અને ધીમે ધીમે સ્થૂળતા ઘટવા લાગે છે. વજન વધતું હોય તેમના માટે ખુબ ઉપયોગી છે.
વિધિ :-
પદ્માસનમાં બેસો અથવા સિદ્ધાસનમાં બેસો. અનામિકાને અંગુઠાના મૂળ ઉપર ગોઠવી અંગુઠા વડે દબાવવાથી સૂર્ય મુદ્રા બને છે. અનામિકા અને અંગુઠાના સંયોગથી શરીરમાં વિશેષ વિદ્યુતનું વહન થવા લાગે છે.
સમય :-
સુર્ય મુદ્રાનો પ્રયોગ સવારે ઉનાળામાં ૮ મિનિટ કરી શકાય શિયાળાની ઋતુમાં ૨૪ મિનિટ સુધી કરવામાં વાંધો નથી. દુબળા શરીરવાળાએ આ પ્રયોગ કરવો નહી.
ફાયદા :-
શરીરનું વજન અને જાડાપણું ઘટે છે.
શક્તિનો વિકાસ થાય છે.
શરીરનું સંતુલન જળવાય છે
તનાવ ઘટે છે
શિયાળામાં આ પ્રયોગથી
ઠંડીથી બચી શકાય છે.
વરુણ મુદ્રા :-
કનિષ્કા અથવા ટચલી આંગળી જળતત્વોનું પ્રતિક છે. જળ તત્વોના અભાવથી શરીરમાં રૂક્ષતા આવે છે.
વિધિ :-
ટચલી આંગળીના અગ્ર ભાગને અંગુઠાના અગ્રભાગ સાથે જોડવાથી વરુણ મુદ્રા બને છે. અન્ય આંગળીઓ સીધી રહેવી જોઈએ. સુખાસન અથવા સ્વસ્તિકાસનમાં આ મુદ્રાનો અભ્યાસ કરી શકાય છે.
સમય :-
આ મુદ્રા સવારે સામાન્ય રીતે એક સાથે ૨૪ મિનિટ કરી શકાય શિયાળામાં આ મુદ્રાનો અભ્યાસ બહુ જ મર્યાદિત કરવો.
ફાયદા :-
ચામાડી ચમકદાર બને છે
શરીરની કાંતિવાન બને છે-સ્નિગ્ધતા વધે છે
રક્તવિકાર દુર થાય છે
જુવાની લાંબા સમય સુધી ટકે છે.
સાવધાની:- શરદી અથવા કફ પ્રકૃતિવાળા લોકોએ વરુણ મુદ્રાને વધુ પ્રમાણમાં કરવી નહી.